Last modified on 1 जनवरी 2015, at 19:57

બનાવટી ફૂલોને / પ્રહલાદ જેઠાલાલ પારેખ

તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.

ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.

પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ?


ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારાં હૈયાના ગહન મહીં યે આવું વસતું :
'દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?'