Last modified on 6 जनवरी 2016, at 14:15

બારી દેખાય છે / જિગર જોષી

આ હમણાં જ આવ્યું મને વાંચવામાં,
કે પંખી પડ્યું – ઠેસ વાગી હવામાં.

તમે પ્રેમથી રોજ પૂછો છો કિંતુ,
કહો કાયમી ક્યાંથી રહેવું મજામાં?

હરણ આજીવન હાંફતું રહી ગયું ને,
તમે થઈ ગયા ડોક્ટરેટ ઝાંઝવામાં.

સુથારીને પૂછશો તો એવું જ કે’શે,
મને બારી દેખાય છે ઝાડવામાં.

એ દરિયાની ઉંડાઈ જાણી ગયો છે,
મને એટલે રસ પડ્યો ખારવામાં.

લે ! આ ભીંત તોડી ને દરવાજો કીધો
હવે શું નડે છે તને આવવામાં?

તને ફૂંકમાં ખૂબ શ્રદ્ધા હતી પણ,
મજા શું પડી આ દીવો ઠારવામાં?