Last modified on 18 जुलाई 2013, at 15:58

ભુતળ ભક્તિ પદારથ મોટુ / નરસિંહ મહેતા

{{KKRachna

ભુતળ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે.

હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે.

ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે.

ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે.