Last modified on 19 अगस्त 2013, at 16:01

મન વૃત્તિ જેની સદાય નિર્મળ / ગંગાસતી

મન વૃત્તિ જેની સદાય નિર્મળ
પડે નહીં ભવસાગર માંહ્ય રે,
સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું
લાગે નહીં માયા કેરી છાંય રે ....મન વૃતિ જેની

પિતૃ ગ્રહ દેવતા કોઈ નડે નહીં
જેનું બંધાણું વચનમાં ચિત્ત રે
આવરણ એને એકે નહીં આવે
વિપરિત નથી જેનું મન રે .... મન વૃતિ જેની

અંતરની આપદા સર્વે મટી ગઈ
જેને સદગુરુ થયા મહેરબાન રે
મન કર્મ થકી જેણે વચન પાળ્યું
મેલી દીધું અંતર કેરું માન .... મન વૃતિ જેની

હાનિ ને લાભ એકે નહીં જેને ઉરમાં
જેને માથે સદગુરુનો હાથ રે,
ગંગાસતી એમ બોલિયા, પાનબાઈ
ટળી ગયા ત્રિવિધનાં તાપ રે .... મન વૃત્તિ જેની