જ્યારે સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઈ જુઓ;
ભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઈ જુઓ!
પુસ્તક સઘળાં બંધ કરી દ્યો, આંખોને પણ મીંચી દ્યો;
મેળે મેળે મળશે ઉત્તર, મૂંગામંતર થઈ જુઓ!
હોય ભલેના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની;
મનમાં થાશે ઝીણી ઝરમર, મૂંગામંતર થઈ જુઓ!
દર્પણ દર્પણ ભટકો નહિ ને બિંબ બધાં ફોડી નાખો,
ખુદને મળશો ખુદની અંદર, મૂંગામંતર થઈ જુઓ!
જળતરંગ માફક ઊઠો ને ત્યાં સુધી પહોંચો 'સુધીર',
ખુદ થઈ જાશો સુંદર સરવર, મૂંગામંતર થઈ જુઓ!