“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી !
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.
માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી,
વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.”
ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,
સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,
એવાં એનાં રણ-રમણ-આહ્લેકનાં ગાન ગાજ્યાં,
ચૌટે, ચોરે, પૂર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં.
બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુઃખથી આર્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !
લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !