Last modified on 17 मई 2015, at 16:24

રક્ષાબંધન / અરદેશર ફરામજી ખબરદાર

મોર્યા ને મહાલ્યા મેહુલા રે,
ભરભર નીતર્યાં નેવ રે, વીરાજી મારા!
બાંધો બળેવની રાખડી રે!

વીરાને આંગણ મહાલવા રે
આવી બહેનાંની બળેવ રે, વીરાજી મારા!
બાંધો બળેવની રાખડી રે!

આજે શ્રીફળની પર્વણી રે,
ધારે મહેરામણ ધીરે રે વીરાજી મારા!
બાંધો બળેવની રાખડી રે!

ગાજે બહેનીને અંતરે રે
કુળનો મહેરામણ વીર રે, વીરાજી મારા!
બાંધો બળેવની રાખડી રે!

રંગે ભરી મારી રાખડી રે,
અદ્‌ભુત રચાયું એનું તંત્ર રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

ગૂંથી એ વહાલને તાંતણે રે,
મોંઘા મળ્યા છે મહીં મંત્ર રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

લળકે કો દેવની આંખડી રે,
એવું લળકે છે એનું ફૂલ રે, વીરાજી મારા!
બાંધો બળેવની રાખડી રે!

બાંધ્યું છે દિલને દોરલે રે
બહેનીનું હેત કંઈ અતૂલ રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

વીરો કુળવાડીનો મોરલો રે,
હૈયું ઠર્યાનું એક ઠામ રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

સાત સાત પેઢીનો થાંભલો રે,
બહેનીની આંખનો આરામ રે. વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

આવો વીરા! બાંધું હાથમાં રે,
બહેનીનો સ્નેહઝલકાર રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

તૂટ્યા ન તૂટે કોઈથી રે,
ભાઈબહેનના એ તાર રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

મોંઘી બળેવની રાખડી રે,
મોંઘા બહેનાંના ઉરભાવ રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

મોંઘો તું વીર કુલદીવડો રે,
મોંઘા જીવનના એ લહાવ રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

વહેજો અભય તારી વાટડી રે,
જળજો અખંડ તુજ જ્યોત રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!

ભવમાં અદલ પ્રભુ! રક્ષજો રે
બહેનીની એકલ ઓથ રે, વીરાજી મારા!
બાંધો બહેનાંની રાખડી રે!