Last modified on 26 दिसम्बर 2014, at 16:04

વર્કિંગ વુમનનું ગીત / યામિની વ્યાસ

નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,
સીધ્ધી સનનન કરતી સવાર...

‘ચીંકું મીંકું ઝટ ઊઠો’ કહી દોડી કપાળે ચૂમે,
આખા દિ‘ની જનમકુંડળી સવારથી લઇ ઘૂમે
કામ વચાળે કહે પતિને ‘ક્યારે ઊઠશો યાર...?’
સધ્ધી સનનન કરતી સવાર...

માંડ પહોંચતી ઓફિસ સહુના પૂરા કરી અભરખા,
ફરી રઘવાટ રસોઇનો જ્યાં એ આવી કાઢે પગરખાં.
કેટલી દોડમદોડી તોયે થઇ જાતી બસ વાર...
સીધ્ધી સનનન કરતી સવાર...

શમણાઓ શૈયા પર પોઢયાં, ઓશિકામાં મીઠી વાત,
અડધી નીંદમાં અડધું જાગ્યાં, એમ પૂરી થઇ આખી રાત!
અડધી ઘરે, અડધી ઓફિસે... કેવી જીવનની પગથાર...!
સીધ્ધી સનનન કરતી સવાર...