Last modified on 12 अगस्त 2013, at 14:55

વિપદમાં ધારણ કરનાર બળ / નરસિંહરાવ દિવેટિયા

કળી પદ્મ કરી મૃદુ હાસ અનિલસંગ ખેલતી,
નીચે જળમાં નિરખંતી નિજ મુખ ઘડી ઘડી લ્હેરતી,
તે શું દેખે પ્હેણે પેલો દૂર રહ્યો હેનો વેરી જે,
ક્રૂર શિશિર, જે દેશે પીડ દુઃખે હેને ઘેરીને ? ૧

વર્ષાભીની વળી વનભૂમિ હસંતી રસાળ જે,
જય્હારે નિરખે હેને રવિરાજ છેદી મેઘમાળને,
તે શું જાણે પ્હણે પેલી પાસ બીજે ક્ષણ આવતી
ઘનઘોર ઘટા દેતી દુઃખ હેને અકળાવતી ? ૨

વ્હાલી ! અહિં તું રમે રસભેર આનન્દ-ઉછંગમાં,
નવ જાણ્યો હજી કદી શોક, રહી સુખરંગમાં;-
કદી આંસુ ઢળ્યાં બે ચાર સહજ સુખભંગથી,
તોએ ત્હેમાં વહે આનન્દ ઝીણાશા તરંગથી. ૩

પણ વ્હાલી ! ત્હને મહાદુઃખ કદી લેશે ઘેરીને ?
કુમળું તુજ આ હઈડું તે વેળ લેશે કૉણ ધારીને ?
મુજ સબળ પ્રેમ કદી રાખે હઈડાને એ ભીડીને,
પણ તે પ્રેમનો આધાર ગયો કદી ઊડીને ? ૪

પદ્મકળીને શિશિરમાં જેહ રાખે ધારીને,
ભૂમિ મેઘે કરી નિસ્તેજ લેશે જે સંભાળીને,
તે જ એક મ્હારો આધાર પ્રબળ દુઃખસિન્ધુમાં;-
એમ જાણીને હું આ વાર રમું આનન્દમાં. ૫