વૃક્ષો સાથે મને વાત કરવી ગમે છે
તેઓ મૂંજીની જેમ મૂંગામંતર રહેતાં નથી
ખુશામદખોર ચમચા પેઠે
વાતાવાતમાં હાજીહાનો હૈડિયો હલાવતાં નથી .
વૃક્ષો સાથે મને વાત કરવી ગમે છે
____તેઓ નીજને ઉધ્વસ્ત કરતા આદમીઓની
કૂથલી કરતાં નિસાસા નાંખતા નથી
આ ડાળેથી પેલી ડાળે કૂદાકૂદ કરતાં
બાળકોની રોકટોક કરતાં નથી
વા સાથે વઢે એવા,
સામા શિંગડા ભરાવતા
આખલાઓથી દૂર ભાગતાં નથી
વૃક્ષો સાથે મને વાત કરવી ગમે છે
____તેઓ વાતવાતમાં પુષ્પાચ્છાદિત સ્મિત વેરે છે
યોગેશ્વરકૃષ્ણ જેમ.
____ઘડી ઘડી ભાવસમાધિમાં ડૂબી જાય છે
કૃષ્ણઘેલી રાધિકા જેમ.
____ભીનીભીની લાગણીઓની લીલપથી
વીંટાઈ વળે છે ચોમેર
વાત્સલ્યમૂર્તિ જશોદા જેમ .
અને–
એક ગોકુળિયું ગહેકી ઊઠે છે મારી અંદર
ગવરી ગાયો ભાંભરવા માંડે છે મારી અંદર
યમુનાના નીર છલકવા માંડે છે મારી અંદર
વાંસળીના સૂર વહેવા માંડે છે મારી અંદર