કેટલો મોટો ફરક થઇ જાય છે!
સૂર્ય ના હોવાનો શક થઇ જાય છે!
સૌ અવાજો, આકૃતિઓને હણી,
શૂન્યતાનું દળકટક થઇ જાય છે.
રોશનીએ તો જુદા કીધા હતા,
એ અહીંયા સૌ ઘટક થઇ જાય છે.
કંઇ નથી તો માત્ર દરિયો ઘુઘવે,
ને નજર એમાં ગરક થઇ જાય છે.
ઓગળે રંગો પછીનું એ જગત,
જે નથી તેની ચમક થઇ જાય છે.
સ્વપ્નમાં શું! જાગતા જોયું છે મેં,
આ તમસ જાણે ખડક થઇ જાય છે.
આ તિમિર પણ ‘યામિની’ મનને ગમે,
જાણે ઇશ્વરની ઝલક થઇ થઇ જાય છે.