Last modified on 26 दिसम्बर 2014, at 15:54

શણગાર થઇ શકે / યામિની વ્યાસ

કોણે કહ્યું કે લાગણી આધાર થઇ શકે?
અશ્રુ જ મારી આંખનો શણગાર થઇ શકે.

એથી વિશેષ લોકમાં શું યાર થઇ શકે?
નાની અમસ્તી વાતનો ચકચાર થઇ શકે.

ખંડિત સમયનો સ્વપ્ન પણ આકાર થઇ શકે,
તૂટે છે તટ, પછી અહીં પગથાર થઇ શકે.

માણસને મારવાના હજારો ઉપાય છે,
પડછાયો ભીંત પર કદી શું ઠાર થઇ શકે?

માનવ બધાય માનવી થઇ જાય જગ મહીં,
ઇશ્વરનું કામ શું પછી બેકાર થઇ શકે?

સચ્ચાઇ પામવાને કંઇ યુગો ન જોઇએ,
વીજળી ગગનમાં ‘યામિની’ પળવાર થઇ શકે.