(ઢાળ : રામબાણ વાગ્યાં હોય તે જાણે)
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ,
શોધી રસકુંજ જ્ય્હાં રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ :
દીઠો ન દુનિયાંફોરેલો :
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,
પાંખડી પાંખડી પૂરેલો;
ભ્રમર ભ્રમર કીધ સંગીતસોહામણો
પંખીડે પંખીડે પઢેલો :
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
અડઘેરી પાંદડીઓ વીણતામાં વેરી, ને
આસવ ઢોળિયો અમોલો;
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
જીવનપરાગ જગતઘેલો :
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.