કલમને તેજ દ્યો ,કાગળને સંગતિ આપો...,
કહે લલિત મને શારદા ! મતિ આપો !
કરો વિસ્ફોટ ભલે પણ હવે નદી આપો ,
ઊષર ધરાના આ પથ્થરને ઉન્નતિ આપો!
અલગ ન હોય કિરણ તેજ ને તિમિરના હવે ,
અમારા ચક્ષુમાં એવી કોઈ ક્ષતિ આપો !
ગઝલનાં નીર નથી કે ન પીર છે એમાં,
આ શુષ્ક કાફિયા રદ્દીફ્ને સદગતિ આપો !
ગઝલ છે સંતની જગ્યા... અખંડ દીવો છે ...,
મને ય પૂરવા દ્યો જીવ...સંમતિ આપો !
કહું છું ક્યાં કે મને આપના દરસ આપો,
ચકળવકળ આ નજર આપના પ્રતિ આપો !
કહે છે કેમ આવું એક શાહીનો ખડિયો...,
“-ન સંપત્તિ મને આપો ,ન સંતતિ આપો!”?