Last modified on 31 जनवरी 2015, at 15:13

શ્રાવણની સાંજનો તડકો / પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં.

આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,
તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;
સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં.
આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,
વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;
રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં.