Last modified on 12 अगस्त 2015, at 10:49

સાંભળ્યું છે... / સુધીર પટેલ

સાંભળ્યું છે કે હજી એ સાંભળે છે,
ભેદ ખોટા ને ખરાનો પણ કળે છે!

સાંભળ્યું છે આ ગલીથી નીકળે છે,
રાહ જોનારાઓને કાયમ મળે છે!

સાંભળ્યું છે ક્યાંય દેખાતા નથી પણ,
આમ જુઓ તો બધે એ ઝળહળે છે!

સાંભળ્યું છે કે નર્યો અવકાશ છે એ,
પણ હલે તો ચૌદ ભુવન ખળભળે છે!

સાંભળ્યું છે વજ્રથી પણ છે કઠણ એ,
જાત સળગે મીણ જેવું પીગળે છે!

સાંભળ્યું છે કે છે નિરાકાર 'સુધીર',
તો ય ધારો એ રૂપે તમને ફળે છે!