સ્નેહ સૌંદર્ય છે સર્વને સ્પર્શતું,
સ્નેહ આનંદ છે વિશ્વભરતો;
સ્નેહ સ્વાતંત્ર્ય છે સર્વ જીવનતણું,
સ્નેહ સંવાદ છે ભેદ હરતો;
સ્નેહ છે સત્ય સંભળાતું સૃષ્ટિને,
સ્નેહ છે આત્મની પરમ શક્તિ;
સ્નેહ છે સ્વામી આ સૃષ્ટિને ધારતો,
સ્નેહમાં છે વસી સર્વ ભક્તિ!
સૂર્યને જોય તે સૂર્યકિરણો ગ્રહી
દેહ ને રૂપમાં દીપ્તિ ધારે;
તેમ એ સ્નેહકિરણો ઉરે ધારતાં
માનવી સ્નેહજ્યોતે ઝગારે;
સ્નેહ છે વિશ્વચૈતન્યની સાંકળી,
પરમ બંધુત્વમાં સર્વ સાંધે;
સૃષ્ટિનો શ્વાસ એ, જીવન ઉલ્લાસ એ,
સેંકડો સ્વર્ગથી સ્નેહ વાધે!