લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી)!
કહો શું મેળવી લેવું હશે મારે ?
તમારા હાથમાં તો કેટલું યે-
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે....
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ....
ખાલી તમારો હાથ ?
ના, ના, આપણા આ બે ય
ખાલી હાથમાં યે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો-
અરે, એના વડે આવો,
પરસ્પર હ્રદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું
કેટલું યે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ!
અજાણ્યા છો ? ભલે!
તો યે જુઓ, આ હાથ લંબાવી કહું-
લાવો તમારો હાથ, મેળવીએ!