Last modified on 16 नवम्बर 2015, at 21:25

હું અને મારાં કપડાં / મનીષા જોષી

ચંદ્ર આખો તારાઓથી ભરેલો
ગોળ ગોળ ઘૂમી રહ્યો છે
ખાલીખમ આકાશમાં
પ્રકાશના શેરડા ફેંકતો.
સોસાયટીનો ચોકીદાર
બેટરીનો પ્રકાશ ફેંકી જુએ છે,
બહાર સુકાઈ રહેલાં મારાં કપડાંને એ ઓળખે છે.
આજે સાંજથી લાઈટ નથી,
અંધારા ઘરમાં ફરી રહેલા વંદાની
બે ચળકતી આંખોની વચ્ચેથી
હું એ આંખો જેવા જ નગ્ન શરીરે
બહુ સિફતથી પસાર થઈ જઉં છું.
મળી જાય છે, મીણબત્તી
મેં જ્યાં હાથવગી રાખી હતી
એનાં કરતાં કોઈક જુદી જ જગ્યાએથી.
મીણબત્તીના પ્રકાશમાં
મારાં કપડાંની ડિઝાઈન નિર્દોષ લાગે છે.
રાત આખી મીણબત્તી સળગતી રહી.
સવારે ઊઠી ત્યારે ઘરમાં
મીણનાં પૂતળાંઓ
મારાં કપડાં પહેરીને ફરી રહ્યાં હતાં.
ડોરબેલ વાગી
ધોબી કપડાં ઈસ્ત્રી કરીને લાવ્યો હતો.
મીણનાં પૂતળાંઓ સામે
રહસ્યમય સ્મિત ફરકાવીને એ ચાલ્યો ગયો.
ચા બનાવતી વખતે
પ્રાયમસની સરસ વળ ચડાવેલી
કેરોસીનથી તરબોળ વાટની
બ્લુ ફ્લેમ મને પ્રસન્ન કરી ગઈ.
પ્રાયમસની કળ મારા હાથમાં છે
અને આ બ્લુ હેવન પણ.
પ્રાયમસની ઝાળ, આખા ઘરમાં પ્રસરે,
મારાં બધાં જ કપડાં
અને એ કપડાંની આદતો ધરાવતાં
પેલાં મીણનાં પૂતળાં
બળીને રાખ થઈ જાય તો કેવું સારું ?
આ ચિરંજીવ કપડાં કંઈ સળગે એવાં નથી.
છેવટે, એક વાસણવાળીને બોલાવી
મારાં કપડાં એને આપી દઈ,
હું બદલામાં વાસણો ખરીદું છું.
હવે એવું લાગે છે કે કપડાંનો આત્મા
આ વાસણોમાં પ્રવેશી ગયો છે.
ચાની તપેલીના તળિયે જામેલી
કાળી મેશને
હું ઘસ્યે જઉં છું, ઘસ્યે જઉં છું.
માંજતાં માંજતાં તપેલીનું તળિયું
અરીસાની જેમ ચમકી ઊઠે છે
અને મને દેખાય છે
મારાં કપડાંની એ જ અતિપરિચિત ભાત.
હું જોઈ શકું છું, ઊંચે આકાશમાં,
પવનમાં ખીલીઓ ઠોકીને બાંધેલી
એક વળગણી પર
મારાં એ જ, રોજ પહેરવાનાં કપડાં સૂકાઈ રહ્યાં છે
સૂરજના સોનેરી પ્રકાશમાં
દેદીપ્યમાન દીસતાં
દૈવી છે મારાં કપડાં
અને એથી પણ દિવ્ય છે,
એનો કંટાળો.