Last modified on 19 जुलाई 2013, at 15:30

હું તો પરણી પ્રીતમની સંગાથ / મીરાંબાઈ

હું તો પરણી પ્રીતમની સંગાથ, વહાલમજી.
બીજાનાં મીંઢળ નહીં રે બાંધુ... હું તો પરણી

ચાર ચાર જુગની ચોતરીઓ ચિતરાવી રે વહાલમજી,
હું તો મંગળ વરતી છું બે ને ચાર... બીજાનાં મીંઢળ.

રાજસી ભોજન જમવાં નથી રે વહાલમજી,
અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે... બીજાનાં મીંઢળ.

મોતીની માળા કામ ન આવે રે વહાલમજી,
અમે તુલસીની માળા પહેરી રહીશું રે... બીજાનાં મીંઢળ.

હીર તણાં ચીર કામ ન આવે રે વહાલમજી,
અમે ભગવા પહેરીને નિત્ય ફરશું રે... બીજાનાં મીંઢળ.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર વહાલા,
હું તો પ્રભુને ભજીને થઈ છું ન્યાલ રે... બીજાનાં મીંઢળ.