જ્યાં જ્યાં તમે પગલાં કરો એ ભોમ બોલશે,
તારા-ગગનની સાથ સૂરજ-સોમ બોલશે !
ચૂપકી તમે સાધી ભલે પણ વાત નહિ બને,
છે જેટલાં તન પર બધાં એ રોમ બોલશે !
કરશે અવળચંડાઈ શબ્દો જે ઘડી હવે,
લૈ હાથ બાજી, નાદ ઊઠશે ૐ બોલશે !
ઊઘડી રહી છે આ ગઝલ પણ જો ધીરેધીરે,
વાતાવરણ ખીલશે સ્તવન ને સ્તોમ બોલશે !
તું રાખજે તૈયાર તારી જાતને ‘સુધીર’,
તો થૈ જવાશે હવ્ય જ્યાં એ હોમ બોલશે !