Last modified on 3 जुलाई 2015, at 14:42

જટાયુ - ૩ / સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ
પહોર ચડ્યો ના ચડ્યો જટાયુ ચડ્યો જુઓ તતખેવ.

ઊંચે ઊંચે જાય ને આઘે આઘે જુએ વનમાં
(ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઈ મનમાં.

ઊની ઊની હવા ને જાણે હૂંફાળી એકલતા
કિશોર પંખી એ ઊડે ને એને વિચાર આવે ભળતા.

વિચાર આવે અવનવા, એ ગોળ ગોળ મૂંઝાય
ને ઊની ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય.

જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ
એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ.

માતા પૂછે બાપને : આનું શુંય થશે, તમે કેવ
આમ તો બીજું કંઈ નહીં પણ આને બહુ ઊડવાની ટેવ.