Last modified on 28 दिसम्बर 2014, at 19:17

પાંદડું પરદેશી / રામનારાયણ વિ.પાઠક 'શેષ'

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી!
એ તો બેઠું મારા ચંપાની ડાળે, કે પાંદડું પરદેશી!
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે! કે પાંદડું પરદેશી!
મેં તો હારમહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી!
એણે ફૂલ એક એક કરમાવ્યું! કે પાંદડું પરદેશી!
એને નદીને નીર પધરાવ્યું, કે પાંદડું પરદેશી!
એ તો દરિયેથી પાછું આવ્યું! કે પાંદડું પરદેશી!
મેં તો ખોદી જમીનમાં દાટ્યું, કે પાંદડું પરદેશી!
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું! કે પાંદડું પરદેશી!
મારી સખીએ બતાવ્યું સહેલું, કે પાંદડું પરદેશી!
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું! કે પાંદડું પરદેશી!