भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
પ્રેમની કવિતા / જયન્ત પાઠક
Kavita Kosh से
તારા પ્રેમની કવિતા કરીને
એકલો એકલો વાંચું છું ત્યારે -
સામેનું વૃક્ષ ડોલી ઊઠે છે;
છેડાયેલી કોયલ બોલી ઊઠે છે;
કળીઓ ખીલતી ખીલતી જરાં થંભી જાય છે,
વાયરો રમતો રમતો જરા જંપી જાય છે,
સાંજની ડાળ પર બેઠેલા પંખીની પાંખ
અચાનક ફફડી ઊઠે છે.
મૂગું આકાશ
તારાઓમાં તતડી ઊઠે છે;
અંધકારના રેશમી વાળ
ક્ષિતિજની પાતળી કેડને લપેટી લે છે;
ફરસ પર નહોર ઘસતી બિલ્લી
મારી સામે ટગર ટગર તાકી રહે છે
તારા પ્રેમની કવિતા કરીને
એકલો એકલો વાંચું છું ત્યારે-