Last modified on 31 जनवरी 2015, at 15:02

ભજન કરે તે જીતે / મકરંદ વજેશંકર દવે

ભજન કરે તે જીતે
વજન કરે તે હારે રે મનવા!
ભજન કરે તે જીતે.
તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે!
રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.

આવે, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજડવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.