Last modified on 14 अगस्त 2015, at 10:42

રોજ મારાથી મને વાંધો પડે / ગૌરાંગ ઠાકર

રોજ મારાથી મને વાંધો પડે,
તો ય મારે તો મને જોવો પડે.

આ ઝરણ એમ જ નદી બનતા નથી,
દોસ્ત પાણીનેય પરસેવો પડે.

કૈંક તો સારું બધામાં હોય છે,
લીમડાનો છાંયો ના કડવો પડે.

તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,
સાંજે પડછાયો ઘણો મોટો પડે.

તું અડે ને એમ લાગે છે મને,
જાણે સૂકા ઘાસ પર તણખો પડે.

તું હવે સરનામું પાક્કુ આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.