Last modified on 1 जनवरी 2015, at 21:51

ત્યાગ / કલાપી

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 21:51, 1 जनवरी 2015 का अवतरण ('{{KKRachna |रचनाकार=સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ |...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!

ના આંસુથી, ના ઝુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી,
દિલ જે ઊઠ્યું રોકાય ના! એ વાત છોડો કેદની!

સૌ ખુશ રહો જેમાં ખુશી! હું જ્યાં ખુશી તે હું કરું!
'શું એ હતું? શું આ થયું?' એ પૂછશો કોઈ નહીં!

કૈં છે ખુશી! કૈં છે નહીં! દિલ જાણતું-જે છે તે છે!
જ્યાં જ્યાં કરી પેદા ખુશી ત્યાં ત્યાં ખુશી દિલ છે નકી!

પેદા કર્યો'તો ઈશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું;
એ ભૂંસવા જો છે ખુશી તો પૂછવું એ કૈં નથી.

છે ઈશ્ક જોયો ખૂબ તોં જોવું હવે જે ના દીઠું,
કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા સહી!

આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહીં.

મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો!
હું જ્યાં દટાઉ ત્યાં ફૂલોને વેરશો કોઈ નહીં.!

છે શું ફૂલો, શું ઈશ્ક ને શું સૌ તમે જાનારને?
આ માછલું દરિયા તણું તે ઊર્મિઓ ગણતું નહીં.