Last modified on 31 जनवरी 2015, at 15:07

ઈજાગ્રસ્ત - સણકા - સબાકાનો માણસ / મનોજ ખંડેરિયા

ઈજાગ્રસ્ત - સણકા - સબાકાનો માણસ
તૂટી જાય સીવેલ ટાંકાનો માણસ

ઉખેળો તો કાયમ ઉખેળાયો કરતો,
ન પૂરો થતો કેમે' તાકાનો માણસ

ગમે તે તરફથી અડો તો ચીરાશો,
બનાવ્યો છે બેધારા ચાકાનો માણસ

ફરે આંખમાં તો ખબર પણ પડે ના,
નજાકતનો; સુરમા - સલાકાનો માણસ

અમારી જ અંદર જવા યત્ન કરતાં -
સતત અમને રોકે છે નાકાનો માણસ

શિરાએ શિરામાં સુરંગો પડી છે,
ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ

નગર આખું થઈ જાય ગમગીન - મૂંગું -
- થતો ચૂપ જ્યારે તડાકાનો માણસ