Last modified on 6 जनवरी 2016, at 14:16

ઓસરીને લાગ્યો અહાંગરો / જિગર જોષી

ઓસરીને લાગ્યો અહાંગરો
સથવારો દેવા મુને હીંચકો તો રહ્યો નથી – કરશે કોણ હાય રે ! ઉજાગરો?
ઓસરીને લાગ્યો અહાંગરો

ઓસરીની છાતીમાં માળો બાંધીને આમ ઉડી ગયું કોઇ અગમ પાંખે
ડેલીનો પ્હાડ વટી આથમતા સૂરજને જોયો છે સાવ સગી આંખે
ટૂંટિયું વાળીને સાવ સૂનમૂન બેઠો છે ફળિયાના ઝાડ પાસે વાયરો
ઓસરીને લાગ્યો અહાંગરો

સેંથો ભૂંસાય એમ ભૂંસાયું હીંચકાનું હોવું આ ઓસરીની સાથે
એવું લાગે છે જાણે ઝરણાં ઉપર પ્હાડ મૂકી દીધો હો મારા નાથે
ખાલી થવામાં વળી બોજો શું હોય? તો’ય ખાલીપો લાગે છે આકરો
ઓસરીને લાગ્યો અહાંગરો