Last modified on 3 जुलाई 2015, at 15:00

ગાંધીજી-ઉદ્ધારક / નટવર ગાંધી

(પૃથ્વી)

ઘણુંય હતું સાભળ્યું : અચૂક ઊતરે શ્રીહરિ,
વિવિધ અવતાર લૈ જગત તપ્તને ઠારવા,
અકેક યુગ, ગ્લાનિગ્રસ્ત ભયત્રસ્તને તારવા,
હશે, દીનદયાળુ કિન્તુ અમ દેશ ના ઊતર્યા!

ગરીબ હિજરાય જ્યાં ગભરુ ભીરુ ભૂખે મરે,
તમે કહ્યું : “નહીં સહું જુલમ, જખ્મ અન્યાયના.”
ન લશ્કર, ન શસ્ત્ર, સંઘ નહીં તો ય જંગે ચડ્યા,
ઉખેડી જડમૂળથી પ્રબળ વિશ્વસત્તા તમે!

તમે ન અવતાર છો, મનુજ માત્ર, ગોત્રે વળી,
છતાં અડગ આત્મથી નીડર કર્મ દૈવી કર્યું,
અપાર કરુણાભર્યા, ખમીર ખૂબ, શૌર્યે શૂરા,
ગુલામી કરી દૂર, ભીરુ ઉરમાં ભરી વીરતા!

સ્વમાની, અભિમાની હું ન નમતો કદી કોઈને,
પરંતુ તમને નમું, પુરુષ ઊર્ધ્વ, ઉદ્ધારક!