Last modified on 5 जुलाई 2016, at 20:33

જાતરા બ્રહ્માંડની કરતી રહી / રાકેશ હાંસલિયા

જાતરા બ્રહ્માંડની કરતી રહી,
ચેતના ચોમેર વિસ્તરતી રહી.

ના ભરાયો લોટથી ડબ્બો કદી,
એક ડોશી આજીવન દળતી રહી.

ઢીંગલીઓ પણ અહીં કેવી મળે !
મા વિના પણ બાળકી રમતી રહી !

આભની ચાદર હતી બસ ઓઢવા,
ને ગજબની ટાઢ પણ પડતી રહી.

જેમ ભીંજાતું ગયું બાળોતિયું,
હૂંફની એમ જ અસર વધતી રહી.

મારી નજરોની પતંગો હરવખત,
એના ઘરના આંગણે ઉડતી રહી.

વાદળી વરસ્યા વિના ચાલી ગઈ,
યાદ એની સૌને ભીંજવતી રહી.