भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

પાંડોબા અને મેઘધનુષ્ય / ઉદયન ઠક્કર

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

દૃશ્ય :

મુંબઈના ત્રીજા ભોઈવાડામાં 'હરિનિવાસ' મકાનની અગાસી. ખૂણાની મોરી પાસે એક આધેડ વયસ્ક વ્યક્તિ ધડાધડ વાસણો સાફ કરે છે. વરસાદનાં ફોરાં પડવાં શરૂ થયાં છે.

નેપથ્યે :

પાંડુ કાંબળે લબ્ધ-પ્રતિષ્ઠિત, ખાતરીવાળો રામો છે
જેના હાથમાં મોટાં મોટાં કુટુંબનો પાયજામો છે
કપડાં-વાસણનું પ્રતિમાસે ત્રીસ નગદનું ભથ્થું છે
પાંડોબાનું કાર્યક્ષેત્ર, ભોઈવાડામાં, એકહથ્થુ છે
(પાનસભર) મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે?
પાંડોબા વર્ષોથી ચુપ છે, વાસણ-કપડાં બોલે છે...

આકાશમાં સાત રંગો કોળી રહ્યા છે. તાજા જ ખીલેલા મેઘધનુષ્યની નજર 'હરિનિવાસ' પર પડે છે. કોણ જાણે કેમ, મેઘધનુષ્યને પાંડોબા પર વ્હાલ ઊપજે છે.

મેઘધનુષ્ય :

ઉહ્ ઉહ્ (પાંડોબાનું ધ્યાન આકર્ષવા ખાંસી ખાય છે.)

પાંડોબા :

ઘસર ઘસર (વાસણો ઉજ્જવળ કરે છે.)

મેઘધનુષ્ય :

સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને
રે પાંડોબા, અહીં પણ જોજો, એલ્યુમિનિયમ માંજીને

કેટકેટલાં વર્ષો પહેલાં, યાદ છે? આપણે મળ્યાં હતાં?
આછા તડકામાં, જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા
કપોલ પર જલશીકરના અનવરત પ્રહારો થતા હતા
તારા હાથોમાં, બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા!

બે પારેવાં જેવાં, મેં વર્ષામાં તમને દીઠેલાં
મૌન થયેલાં, મૂંઝાયેલાં, એકમેકને અડકેલાં...

તને સાત રંગોની ઇર્ષા થઈ કે નહીં, એ ખબર નથી
ઓષ્ઠ વગરનાં મારા આયુષ, મને તે ક્ષણે ખટકેલાં!

પાંડોબા :

વાસણ બાજુએ કરે છે, હાથ પરની રાખ ખંખેરે છે, મેઘધનુષ્ય તરફ જુએ છે.

મેઘધનુષ્ય :

ખેતર જેને ટૂંકાં પડતાં---આજે ચાર દીવાલોમાં
યથાશક્તિ રોમાન્સ કરે છે, ભોઈવાડાની ચાલોમાં.
શું છે ભોઈવાડાથી મોટું? ચણિયા કરતાં રંગીન પણ?
ના સમજ્યો તેથી વેડફાયો, પાંડોબા નામે એક જણ
ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં, પાંડોબા
વાસણ મૂકી ક્વચિત્ નીકળી પડો સકળમાં, પાંડોબા

પાંડોબા ઊભા થાય છે. હાથ લંબાવીને મેઘધનુષ્યને પકડે છે. આકાશથી ઉતારે છે. '501 બાર' સાબુથી એને ધુએ છે, નીચોવે છે, પછી ધોળાધબ્બ થયેલા મેઘધનુષ્યને, ક્લીપ લગાડીને આકાશે ટાંગી દે છે.

આ જોઈને 'હરિનિવાસ'ના બીજા માળે રાખેલો એક પોપટ પિંજરામાંથી બોલે છે કે, 'પગાર તીસ રૂપયડી હોય, ત્યારે ભલભલાં મેઘધનુષ્યો પણ ધોળાંધબ્બ થઈ જતાં હોય છે, સીતારામ.'