(વસંતતિલકા)
તું પાંચ પાંચ પતિની પટરાણી તો યે
ચારિત્ર્ય તારું લૂંટતાં ઊભરી સભામાં,
વસ્ત્રો હરે શઠ દુઃશાસન, કૌરવો સૌ.
તું રાજ્ઞી તો હતી વિરાજતી ઇન્દ્રપ્રસ્થે,
સૈરન્ધ્રી તો ય થઈ કેશકલાપિકા તું,
ને વલ્કલે વિચરતી વસી પર્ણકુટી.
તું ખેલ કૈંક મય દાનવના રમાડી,
હાંસી કરે કુરુજનોની, કરે અવજ્ઞા,
ને રોપતી કલહનાં બીજ, ધ્વન્સનાં કૈં.
તું કાલરાત્રિ કુરુની, નર યુદ્ધ પ્રેરે,
તારા થકી પ્રબળ મુષ્ટિ સમાન પાંચે
સંયુક્ત પાંડવ કરે કુરુકુળ નષ્ટ,
તું અગ્નિજા, પ્રગટી યજ્ઞ અનિષ્ટ કુંડે,
પ્રજ્વાલતી પ્રલય અગ્નિ સમગ્ર ખંડે!