Last modified on 14 अगस्त 2015, at 10:42

દીવાની આબરૂ / ગૌરાંગ ઠાકર

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 10:42, 14 अगस्त 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ગૌરાંગ ઠાકર |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ.
માવજત માળીની બસ વીસરાઈ ગઈ.

વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ.

કોણ પડછાયા ઉપાડી જાય છે ?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ.

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.

મેં ગુમાવી એમ મારી મુગ્ધતા,
જેમ દરિયામાં નદી ખોવાઈ ગઈ.

તોપના મોઢે કબૂતર ચીતર્યું,
લાલ રંગોળી છતાં પુરાઈ ગઈ.