સત્તોડિયું રમતાં રમતાં
કૂંડાળાંમાં મૂકેલી ઠીકરીઓને
ધારી ધારીને જોતી આંખો
અચાનક ક્યારે મોટી થઈ ગઈ એ સમજાયું જ નહીં.
એ અસમજણને કારણે જ
મારામાં રહેલી બાળકવૃત્તિને
મારી અંદર જ સાચવી રાખી વર્ષો સુધી !
મારી આંખો હવે,
સામેવાળાની આંખોને બહુ સરળતાથી
પારખી શકે છે
એવો અહમ્ આવ્યો
અને અંદર જ સાચવી રાખેલી બાળકવૃત્તિ
મારી અંદર જ ખોવાતી ગઈ ક્યાંક !
જોકે
આંખોની નાની અમથી ગોખલીમાં
દિવસના અજવાળામાં જ્યાં
સપનાંઓ છુપાઈને રહેતાં’તાં
ત્યાં જ
આંસુઓ છુપાઈને રહેવા માંડ્યાં
ત્યારે જ
મારે સમજી જવું જોઈતું’તું
કે હું મોટી થઈ ગઈ છું !