હવે મને બાળકની ભોળી નિર્દોષ આંખોની
બીક લાગે છે.
એમની આંખોમાં ભોળપણ જીવવું જોઈએ
પણ બહુ બહુ તો દસ-બાર વર્ષ સુધી
પછી દુનિયાદારી શીખી લેવી જોઈએ એમણે પણ !
સામેવાળાની આંખમાં આંખ નાંખીએ કે તરત જ
એનો ખૂણે-ખૂણો પારખતાં આવડી જવું જોઈએ એમને.
હવે માણસ પારખવાની આવડતને
માથાના ધોળાવાળની સંખ્યા સાથે
કોઈ નિસબત નથી રહી.
એક બીકણ-ભોળા સસલાને ફાડી ખાવા
વરુઓનો આખો વર્ગ તૈયાર ઊભો હોય છે.
અને સામનો કરવા
ક્યાં તો વરુ થવું પડે - ક્યાં તો સિંહ.
સસલાનું કામ નહીં.
હવે આપણે આપણાં બાળકોને
બાળમંદિરથી જ
બારાખડી ઓળખવાની સાથે સાથે
માણસો ઓળખતાં પણ શીખવવા માંડવું પડશે !