Last modified on 21 जुलाई 2016, at 02:50

હે ઇશ્વર! / ભારતી રાણે

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 02:50, 21 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= |अनुवादक= |संग्रह= }} {{KKCatGujaratiRachna}} <poem> તુ...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

તું સવારોને છલકાવે છે સૂર્યરશ્મિના ફુવારાથી.
ને રાત્રિઓને સંગોપે છે ગાઢ નિસ્પંદમાં.
સંબંધોની રમણાથી સાવ અલિપ્ત છે તું.
પવન સાથે પાનના ને ધરતી સાથે ચાંદના સંબંધોને જાણે તું જાણતોય ન હોય તેમ
મગ્ન છે તારી સવારોમાં ને રાત્રિઓમાં,
ને એક હું છું, તને કલ્પ્યા કરું છું :
આકાશમાં ને તારાઓમાં; ફૂલોમાં ને ઝાકળમાં; વાદળમાં ને વરસાદમાં.
મેં જોયેલા કોઈ પણ આકાર સાથે તારા રૂપનો મેળ ખાતો નથી.
તારી ઝાંખી મળે છે, તો બસ, એટલામાં કે,
જ્યારે મારું હૃદય લાચાર બની આર્તનાદ કરી બેસે છે,
ત્યારે મારું એક-એક અશ્રુ શિલ્પીનું ટાંકણું બની જઈ અવકાશમાં ઘડે છે તારા શિલ્પને.
જન્મના પહેલા રુદનથી આજ સુધી વહી શકેલાં ને ન વહી શકેલાં અશ્રુઓથી
આકારતી રહી છું તને, તોય કેમ તારું રૂપ ઊભરતું નથી ?
કોઈ શિલ્પીની કલ્પના જેવો તું મારા મનમાં બેઠો છે, અધૂરું શિલ્પ થઈને
ને નવાઈની વાત તો એ છે કે, મારું દર્દ વિસ્તારે છે તારી મૂર્તિને.
મારી વ્યથાઓએ તને વિરાટ બનાવી દીધો છે, હે ઈશ્વર !
મેં તને ઘડવાનો શરૂ કર્યો ત્યારે તો તું મારી મુઠ્ઠીમાં હતો, પાંચીકાના પથ્થર જેવો.
હજી હમણાં જ તો બાળકની સહજતાથી
મેં તને પથ્થરોના ઢગલામાંથી વીણ્યો હતો - ચકમક ઝરતા આરસરૂપે.
જોતજોતામાં તું કેટલો વિરાટ બની ગયો, હે ઈશ્વર !
કે તને ઘડતાં-ઘડતાં હું થાકી જાઉં છું;
ને હવે તો તું સમાતોય નથી મારી મુઠ્ઠીમાં, હાથમાં,
કે કલ્પનાના આખેઆખા આકાશમાં !