भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

પ્રભાત / ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 21:14, 28 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

જાગ્યું ઉષાનું અનિલે ચૂમ્યું નેત્ર પેલું,
ને લોચનો ચૂમી જગાડું ત્હને સખી! હું;
જો જાગી, કો રસ અપૂર્વ ઊંડો રૂપેરી,
ત્હારી પ્રભા સમ, ઊભો પ્રિય! વ્યોમ ઘેરી.

ઝાંખું પ્રકાશિત ચ્હડ્યું વન જો! હિંડોળે,
ગંભીર ધીર સહકાર અનેરું ડોલે;
પંખીફૂલો મધુ શું પ્રાશી પ્રકાશપાન,
છેડે પ્રભાત તણું ભવ્ય પ્રવૃત્તિગાન.

આકાશના કુહર ભેદી ઝીણું ઝરન્તા,
અંધારઅન્તર વિષેય પ્રભા પૂરન્તા,
જો! કાન્ત, પુણ્યજલ શા, વહી વિશ્વ આવે,
તે તેજના અતુલ ઓઘ ત્હને વધાવે.

વ્હાલી! વિલાસરમણાભર વીતી રાત્રી,
ત્હો યે ન દે દિન વિલાસસૂનો વિધાત્રી;
નિદ્રા નિવારી સખી! જો નયને રસીલે,
બ્રહ્માંડ ભવ્ય પ્રભુભાવ વિશે જ ઝીલે.

આછેરું અંગ અજવાળી ઉમંગરંગે,
મીંચે નચાવી શુચિ પાંખ ઝીણા તરંગે;
કો મંદ મંદ સુકુમાર અનિલ આવે,
ને માનવીનું નવજીવન જો! જગાવે.

એવો જગાડી જીવ, ને લઈ સ્નેહઝૂલે,
રેડી રસાંજલિ રસાત્મનને પ્રફુલ્લે;
ગેબી હસન્ત સખી! શોભન નેત્ર ત્હારું
ચુંબી ફરી ફરી પ્રિયે! ઊંડું અંતર માંહી ધારું.