પાથર્યું આજે આણું
ચાકળા, તોરણ, તકિયા ભેળું સાંજ ઘેરાતું ટાણું...
પેટીઓ જરીક ખોલતાં વેંત જ પિયરિયું છલકાયું
કોડ ભરેલું ત્રાંબા બેડું પાણિયારે મલકાયું
રહી રહી પડઘાય ઊંડાણે સહિયરોનું ગાણું...
બાઈજીની અભરાઈ ફાટાફાટ, ઓરડો ઝાકમઝોળ
પોરસાતા, પાન ચાવતા ઝૂલે સસરાજી હિંડોળ
ઘૂમટા નીચે સંઘરાયું મા-બાપનું મોંઘું નાણું...
અળતો, પીઠી, ગુંદિયા કંકુ, મેંદી અને સિંદૂર
ચાર ભીંત્યું વચ્ચ ઉમટ્યું રે પાંચ રંગનું ઘેઘૂર પૂર
મનવાડીના મોરલે થાપ્યું રુદિયે કાયમ થાણું...
ટેરવાએ દિન-રાત ભર્યું’તું સપનું ટાંકે ટાંકે
આજ ફળ્યું થઈ કેસરી છોગું સાવ તે ખુલ્લી આંખે
કેટલી રાતો પીગળી ત્યારે આમ ઊગ્યું એક વ્હાણું...