भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

શતદલ પદ્મ / ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

(ઢાળ : રામબાણ વાગ્યાં હોય તે જાણે)

શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ,
શોધી રસકુંજ જ્ય્હાં રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ :
દીઠો ન દુનિયાંફોરેલો :
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,
પાંખડી પાંખડી પૂરેલો;
ભ્રમર ભ્રમર કીધ સંગીતસોહામણો
પંખીડે પંખીડે પઢેલો :
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

અડઘેરી પાંદડીઓ વીણતામાં વેરી, ને
આસવ ઢોળિયો અમોલો;
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
જીવનપરાગ જગતઘેલો :

હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.