भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

હિંદુ સમાજ / પન્ના નાયક

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આપણો હિંદુ સમાજ
કેટલો
ઉત્કૃષ્ટ હતો!
કેટલો
સર્વશ્રેષ્ઠ હતો!
ખાસ કરીને છોકરીઓની બાબતમાં.
એ એમને કહેતો:
શાળાની કેળવણીની અપેક્ષા નહીં રાખવાની
સારાં મા-દીકરી બનવાનું
ડાહ્યાડમરા બનવાનું
સરળ થવાનું
નીચી નજરે જોવાનું
સહનશીલ વૃત્તિવાળા થવાનું
હોઠ સીવેલા રાખવાના
બળવો નહીં પોકારવાનો

કોઈ ખરાબ કરે એ સારા માટે
એમ માનવાનું
કોઈ તમાચો મારે તો બન્ને ગાલ ધરવાના
કુટુંબ નભાવવાનું અને કુટુંબમાં નભી જવાનું
પતિ અવસાન પામે તો જિંદગીભર મૂરઝાયેલા રહેવાનું
છોકરા લાડકોડથી ઉછેરવાના
એમને સારા સંસ્કાર આપવાના
એમને પૂરતું શિક્ષણ આપવાનું..

સાચે જ.
છોકરીઓની બાબતમાં
આપણો હિંદુ સમાજ
કેટલો ઉત્કૃષ્ટ હતો!
કેટલો સર્વશ્રેષ્ઠ હતો!