भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ગોવિંદો પ્રાણ અમારો / મીરાંબાઈ

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:32, 19 जुलाई 2013 का अवतरण

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો…

રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો…

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો….

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો…

સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો…

ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….

સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ… ગોવિંદો….

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય… ગોવિંદો…

મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો…