भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
કૂર્માવતાર / પન્ના નાયક
Kavita Kosh से
અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે :
- હવે શું ?
ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં
અમે બધાં
સિટી વિનાના
સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ
- પણ કેટલાં?
અમે ટેલિવિઝન જોઈએ
- પણ કેટલું? ક્યાં લગી?
સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
- અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય?