Last modified on 29 जनवरी 2015, at 21:27

ઝાકળની પિછોડી / બાલમુકુન્દ મણિશંકર દવે

જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો-
શ્વાસને સેજારે જાશે ઊડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં-
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
સાચાં સરવરિયે દ્યોને જોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !

સાચાં દેખાવ તે તો કાચાં મનવાજી મારા!
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરાજી !
ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !

એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા !
થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે-
કોઈ નોં શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !