Last modified on 21 जुलाई 2016, at 02:52

ના લિપિ, ના વ્યાકરણ / ભારતી રાણે

રાતરાણીની સુગંધે તરબતર વાતાવરણ,
રાત છે કે સૂર્યનું તારે મઢેલું આવરણ ?

સ્વપ્ન, આશા, આરઝૂ ને દર્દ એકાકાર છે,
એક આંખે ઊંઘ છે ને એક આંખે જાગરણ.

ભાગ્યમાં સૌના નથી હોતી અપેક્ષિત એક ક્ષણ,
ઝંખના ઊંચો હિમાલય ને સમય વહેતું ઝરણ.

ના ગ્રહોની વક્રતા, ન વિડંબના પ્રારબ્ધની,
બસ, સહે છે વૃક્ષ ઝૂકીને પવનનું આક્રમણ.

શબ્દ જો તૂટે, ઊમડશે સાત સાગરમાં વમળ,
અશ્રુ તૂટે તો વ્યથાનું દિક્‌દિગંતે વિસ્તરણ.

આંખ મૂંગું બોલશે ને માંહ્યલો પડઘાવશે,
પ્રેમ છે ભાષા હૃદયની, ના લિપિ, ના વ્યાકરણ.