Last modified on 31 जनवरी 2015, at 15:06

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો / મનોજ ખંડેરિયા

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને - બારીને - ભીંતને -
લાલ નળિયાં - છજાં - ને વળી ગોખને
રાત દિ' ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી,
જરઝવેરાત સહુ એમનું એમ છે !
તે છતાં લાગતું સઘળું લૂટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષોથી સાવ કેરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયાં
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર઼
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા
કોણ છાના પગે આવી મારી ગયો
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડીએ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી