भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

અગમ્યા શ્રદ્ધા / પિનાકિન ઠાકોર

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

મને કોણ બોલાવે રે આઘે આઘે સાદ કરી,
કોણ બાર ખોલાવે રે પુરાણી પિછાણ ધરી ?

શોધી ભૂમિ ક્યાં છાની રે ખૂણે કર્યા વાસ હતા,
શિલા દેવતા માની રે મંદિર એનાં ત્યાં જ થતાં;
મારાં પુષ્પને પૂજન અર્ધ્ય ને અર્ચન ત્યાં જ ધરું,
ગાયાં ગીતનાં આર્જવ પ્રાણનાં સ્પંદન ત્યાં જ ભરું.
બેઠો સૃષ્ટિના નાના રે સીમાડાને બાંધી લઇ,
અજ્ઞાન અચેતના રે છવાયાં ત્યાં આંધી થઈ.

કોણ આવી ત્યાં આછેરાં સુચેતન તેજ ઝરે,
મારા વિશ્વનાં મોંઘેરા હૈયે ભર્યા હેજ હરે.
“તારાં નેણલાં આવડાં રે અબૂઝ અજાણ” કહે
“જરા જાગ જો કેવડાં રે વિરાટ પ્રયાણ રહે”
મારા ઓરડે અંતરના ઠલોઠલ પાર સૂના
ગાયું ગીત ને અંદરના છલોછલ આરઝૂના.

હું તો પેખતો વિસ્મિત બ્હાર આંખે ના જાણ પડે
નિત સાદ સુણું તે વાર જૂની ઓળખાણ જડે.
મારી સૃષ્ટિની નાનકડી સીમાઓની પાર મને
જાણે ખેંચતી પાયકડી દિશાઓનાં દ્વાર કને.

મેં તો દાબીને અંતર દુઃખ માયાભર્યા વાસ મૂક્યા
આગે પાય ધર્યા સનમુખ લહું આકાશ ઝૂક્યાં.
ઓ રે વિશ્વનાં રૂપ વિરાટ મુખે નવ જાય વદ્યાં
રે શી પાર વિનાની એ વાટ ડગેડગ જાય વધ્યાં.
હું તો ઉંબરે થંભતો આવી, અમેય શેં ઓળંગવા,
ગયું ઝંખના કોઈ જગાવી, રહ્યું નહિ જાય હવાં.

 જવું આગળ જાણું ન પંથ અપારને કેમ કળું !
આડા જોમને , કાળના બંધ વિમાસણે એમ ઢળું !

તું તો પામ્યાની કીર્તિ રે, અપ્રાપ્યની નિત્ય કથા,
તું તેં ઝાંખ્યાની દીપ્તિ રે, અઝાંખ્યાંની ઉરવ્યથા.
તો યે શ્રદ્ધાનું એક સુકાન તોફાનના મધદરિયે,
તારાં પામવા નક્કી મકાન અનંત, મુસાફરિયે,
જેમ મુગ્ધ અબુધને જ્ઞાન-પિછાનનાં
દર્શન આર્ષ દીધાં
એમ દેશે તું ધ્યેયનાં દાન
વિધાન સજીવન તેં જ કીધાં.
તું અપાર તું વિશ્વ અરૂપ વિરાટ મહામયતા,
તું તો સત્યનું સુંદર રૂપ અપૂર્વની મંગલતા.