भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ગાનસરિત / નરસિંહરાવ દિવેટિયા

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

हिन्दी शब्दों के अर्थ उपलब्ध हैं। शब्द पर डबल क्लिक करें। अन्य शब्दों पर कार्य जारी है।

જ્ય્હારે વહેતી ગાનસરિત અલબેલડી,
લહરી મીઠી લચી લચી લેતી રંગમાં,
ત્ય્હારે રૂડી આનન્દની હોડીએ ચઢી
વ્હેતો ચાલું છું હું એ સરિતરઙ્ગમાં. ૧

પછી કોયલડી ગાતી હો મૃદુ કણ્ઠથી,
કે ગંભીરું નદી ગાય શિલાસંગમાં,
કે ચૂમે તરુ પવન્લ્હેર રવ મન્દથી, -
વ્હેતો ચાલું છું હું એ સરિતતરઙ્ગમાં. ૨

પણ જ્ય્હારે એ ગાનસરિત રળિયામણી
ચાલે લલનકણ્ઠમહિંથી ઉમંગમાં,
ત્ય્હારે મુજ આનન્દહોડી ઊછળી ઘણી
વ્હેતો ચાલું હું એ સરિતતરઙ્ગમાં. ૩

ને વળી જો તે લલના મુજ હઇડામહિં
કો ઠામે કરી વાસ રહે સુખરંગમાં,
તો તો પછી ભૂલી ભાન ગાન સુણતાં તહિં
વ્હેતો ચાલું છું હું એ સરિતતરઙ્ગમાં. ૪

તો પણ, તો પણ, વ્હાલી! સુણ્ય કહું વાત હું,
કદી તવ કણ્ઠ રમે નહિં ગાન-પ્રસઙ્ગમાં,
ન ગણું એ ઊણું જ્ય્હાં લગી તુજ સાથ હું
વ્હેતો ચાલું બીજી સરતતરઙ્ગમાં. ૫

સ્મિત ગાતું તુજ નયન મીઠાં ગાતાં વળી,
ને મુખાકાન્તિ સલૂણી ગાતી ઉછરંગમાં,
ને તે સહુમાં પ્રેમગાન વ્હેતું ભળી,-
વ્હેતો ચાલું એ ગાનનદીતરઙ્ગમાં. ૬