भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ગુફતેગો / ભારતી રાણે

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

સમીસાંજે વીજળીના તાર પર બેઠેલા પંખીએ
આકાશના કાનમાં કહ્યું :
‘હું અહીં કોઈ પ્રિયજનની નહીં,
હું તો ક્ષિતિજ પારથી આવી રહેલા
અનાદિ અભેદ્ય અંધકારની રાહ જોઉં છું.’

શેઢા પર ઊભેલા એકલાઅટૂલા વૃક્ષે
ભર્યાભાદર્યા ખેતરને હળવેકથી કહ્યું :
‘આ પાંદડાંનો હવે ભાર લાગે છે,
હવે ઝટ પાનખર આવે તો સારું.’

છેક વહેલી પરોઢથી સૂર્યની પ્રતીક્ષામાં
આભને અનિમેષ તાકી રહેલી ઝાકળે
હળવેકથી પુષ્પના કાનમાં કહ્યું :
‘જીવનની પ્રત્યેક ક્ષણ આપણને માત્ર
મૃત્યુની નજીક જ નથી લઈ જતી,
મૃત્યુને ચાહતાં પણ શીખવે છે !’