भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
થાક લાગે / હરીન્દ્ર જયંતીલાલ દવે
Kavita Kosh से
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું
મેળાનો મને થાક લાગે.
ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું
મેળાનો મને થાક લાગે;
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો ?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો ?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે,
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.